બાંગ્લાદેશમાં ચોમાસું કહેર બનીને વરસી રહ્યું છે. ભારે વરસાદને કારણે આવેલા પૂરમાં 40 લાખથી વધુ લોકો ફસાઈ ગયા છે. ભારે વરસાદના લીધે 25 લોકોના મોત થયા છે.

શનિવારના અધિકારીઓએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં પૂર એ કાયમી સમસ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેનાર લાખો લોકોને પૂરનો સામનો કરવો પડે છે. હવામાન શાસ્ત્રીઓનું કહેવું છે કે, વાતાવરણમાં પરિવર્તનના કારણે વારંવાર પૂરની સ્થિતિ સર્જાઈ રહી છે. પૂરની આગાહી કરવી પણ મુશ્કેલ બની રહી છે.

છેલ્લા અઠવાડિયા બાંગ્લાદેશના ઉત્તર પૂર્વ ભાગમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જયારે રાહત અને બચાવ કામગીરી માટે સેનાને ત્યાં તૈનાત કરવામાં આવી છે. ઘણા લોકો ઘરોમાં ફસાયેલા છે. તેમનો સંપર્ક તૂટી ગયો છે. ઘણી નદીઓ વહેતી થઈ રહી છે. પૂરમાં ફસાયેલા લોકોને બહાર કાઢીને શાળાઓમાં સ્થાપિત રાહત શિબિરોમાં રાખવામાં આવ્યા છે.

કંપનીગંજ ગામમાં રહેતા લુકમાનના કહેવા પ્રમાણે, શુક્રવારે અમારું આખું ગામ પાણીમાં ડૂબી ગયું હતું. અમે બધા પૂરના પાણીમાં ફસાઈ ગયા. બીજાએ કહ્યું કે એક પાડોશીએ ઘરની ટેરેસ પર આખો દિવસ રાહ જોયા પછી અમને કામચલાઉ બોટમાંથી બચાવ્યા હતા. તેમની માતાએ જણાવ્યું છે કે, તેણે આખી જીંદગીમાં આવું પૂર ક્યારેય જોયું નથી.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, શુક્રવાર બપોરથી વીજળી પડવાથી ઓછામાં ઓછા 21 લોકોના મોત થયા છે. સ્થાનિક પોલીસ વડા મિઝાનુર રહેમાને જણાવ્યું હતું કે, તેમાંથી ત્રણ 12 થી 14 વર્ષની વયના બાળકો હતા. તે જ સમયે, ચિત્તાગોંગની દરગાહ શહેરમાં ભૂસ્ખલનથી ચાર લોકોના મોત થયા હતા. સિલહટ ક્ષેત્રના મુખ્ય સરકારી વહીવટકર્તા મુશર્રફ હુસૈનના જણાવ્યા અનુસાર, શનિવારે સવારે પૂરની સ્થિતિ વણસી ગઈ હતી. 40 લાખથી વધુ લોકો પૂરના પાણીમાં ફસાયેલા છે. લગભગ સમગ્ર વિસ્તારમાં વીજળી નથી.