ભારતમાં ‘યુએસ મિશન’ એ 2022 માં અત્યાર સુધીમાં રેકોર્ડબ્રેક 82,000 વિદ્યાર્થીઓના વિઝા જાહેર કર્યા છે. આ અગાઉના કોઈપણ વર્ષ કરતાં ઘણું વધારે છે. આ સાથે ભારતીય વિદ્યાર્થીઓને અન્ય કોઈપણ દેશ કરતા વધુ યુએસ સ્ટુડન્ટ વિઝા મળ્યા છે.

ભારતમાં યુએસ એમ્બેસીએ જણાવ્યું હતું કે, નવી દિલ્હીમાં યુએસ એમ્બેસી અને ચેન્નાઈ, હૈદરાબાદ, કોલકાતા અને મુંબઈમાં કોન્સ્યુલેટ મેથી ઓગસ્ટ સુધી વિદ્યાર્થી વિઝા અરજીઓની પ્રક્રિયાને પ્રાથમિકતા આપે છે, જેથી શક્ય તેટલા વધુ લાયક વિદ્યાર્થીઓ તેમના અભ્યાસના કાર્યક્રમો સુધી પહોંચી શકે.

ભારતમાં અમેરિકાના સૌથી વરિષ્ઠ રાજદ્વારી પેટ્રિશિયા લાસિનાએ જણાવ્યું હતું કે, “અમે આ ઉનાળામાં એકલા 82,000 થી વધુ વિદ્યાર્થી વિઝા જાહેર કર્યા છે, જે છેલ્લા કોઈપણ વર્ષ કરતાં વધુ છે. આ દર્શાવે છે કે મોટાભાગના ભારતીય પરિવારો માટે, યુએસ ઉચ્ચ શિક્ષણ માટે સૌથી વધુ માંગ ધરાવનાર દેશ બન્યો છે.

તેમને જણાવ્યું કે, “અમને એ જોઈને આનંદ થાય છે કે કોવિડ-19 રોગચાળાને કારણે અગાઉના વર્ષોમાં થયેલા વિલંબ પછી ઘણા બધા વિદ્યાર્થીઓ વિઝા મેળવવા અને તેમની યુનિવર્સિટીઓમાં પહોંચવામાં સક્ષમ હતા,” લેસિનાએ કહ્યું છે કે, તે ભારતીય વિદ્યાર્થીઓના મહત્વપૂર્ણ યોગદાનને પણ ઉજાગર કરે છે.

મીડિયા અહેવાલો અનુસાર, કોન્સ્યુલર અફેર્સ મિનિસ્ટર કાઉન્સેલ ડોન હેફલિને જણાવ્યું હતું કે, “આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની ગતિશીલતા એ અમેરિકન રાજદ્વારીનું કેન્દ્ર છે અને તેમાં ભારત કરતાં વધુ વિદ્યાર્થીઓનું યોગદાન ક્યાંય નથી.”