અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને સાઉદી અરેબિયા પહોંચ્યા તે પહેલા ખાડી દેશે તમામ વિમાનો માટે તેની હવાઈ ક્ષેત્ર ખોલી દીધી હતી. સાઉદી અરેબિયાના આ પગલાને ઈઝરાયેલ પ્રત્યે ખુલ્લા વલણનો સંકેત માનવામાં આવી રહ્યો છે. બિડેને નિર્ણયનું સ્વાગત કર્યું છે.

સાઉદી અરેબિયાએ શુક્રવારે જાહેરાત કરી હતી કે, તે તેના એરસ્પેસનો ઉપયોગ કરતી તમામ એરલાઇન્સ પરના પ્રતિબંધો હટાવી રહ્યું છે. જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, દેશના આકાશ પર ઉડવા માટે તમામ જરૂરી શરતો પૂરી કરતી એરલાઇન્સ એર સ્પેસનો ઉપયોગ કરી શકશે.

અમેરિકી અધિકારીએ તેને ઐતિહાસિક નિર્ણય ગણાવતા તેનું સ્વાગત કર્યું છે. ઇઝરાયેલ પ્રત્યે સાઉદી અરેબિયાનું આ નવું સમાધાનકારી વલણ છે. આ પહેલા ઈઝરાયેલે અરબ દેશો સાથે સંબંધો સ્થાપિત કરવાના અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ તેમ છતાં સાઉદી અરેબિયાએ તેને માન્યતા આપવાનો ઈન્કાર કર્યો હતો. સાઉદી સિવિલ એવિએશન ઓથોરિટીએ ટ્વિટર પર એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે, તેને તમામ આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ માટે ખોલ્યું છે.

યુએસ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, આ નિર્ણય રાષ્ટ્રપતિ બિડેનની સાઉદી અરેબિયા સાથે ઘણા મહિનાઓથી સતત અને સૈદ્ધાંતિક મુત્સદ્દીગીરીનું પરિણામ છે. બિડેન આજે મધ્ય પૂર્વના આ દેશમાં પહોંચી રહ્યા છે. તેમની આ મુલાકાતથી ઈઝરાયેલ અને આરબ દેશો વચ્ચેના સંબંધોમાં ઘણી આશાઓ જાગી છે.

ઇઝરાયલથી સાઉદી અરેબિયાની સીધી ઉડાન ભરનાર બિડેન પ્રથમ અમેરિકી રાષ્ટ્રપતિ છે. સાઉદી અરેબિયાએ બિડેનની મુલાકાતના થોડા કલાકો પહેલા જ ફ્લાઈટ્સ માટેનો માર્ગ ખોલી દીધો છે. આ પહેલા દુશ્મન દેશો વચ્ચે અનૌપચારિક સંબંધો વધુ મજબૂત થશે. આ અગાઉ, ઇઝરાયેલના તત્કાલિન વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે 2020 માં સાઉદી અરેબિયા ગયા હતા.