અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શુક્રવારે બપોરે એક મસ્જિદ પાસે થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા અને 41 અન્ય ઈજાગ્રસ્ત થયા છે. તાજેતરના મહિનાઓમાં શુક્રવારે મસ્જિદો નજીક શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં આ નવીનતમ ઘટના છે. તેમાંના ઘણા વિસ્ફોટોની જવાબદારી ઇસ્લામિક સ્ટેટે લીધી છે.

કાબુલ પોલીસના પ્રવક્તા ખાલિદ ઝદરાને જણાવ્યું છે કે, વિસ્ફોટ ત્યારે થયા જ્યારે લોકો મસ્જિદમાં નમાજ પઢીને ઘરે પરત ફરી રહ્યા હતા. તમામ મૃતકો સામાન્ય નાગરિક છે. ઇજાગ્રસ્તોમાં બાળકો પણ સામેલ છે.

ગૃહમંત્રીના પ્રવક્તા અબ્દુલ નફી ટાકોરે જણાવ્યું હતું કે, વિસ્ફોટ મસ્જિદ પાસે મુખ્ય માર્ગ પર થયો હતો. ઈટાલીની એક બિનસરકારી સંસ્થા દ્વારા સંચાલિત ઈમરજન્સી હોસ્પિટલે પણ આ વાતની પુષ્ટિ કરી છે.

વિસ્ફોટનું સ્થળ કાબુલમાં ગ્રીન ઝોન તરીકે ઓળખાતું હતું અને તે અનેક વિદેશી દૂતાવાસો અને નાટો કચેરીઓનું ઘર હતું. હવે તે શાસક તાલિબાન દ્વારા નિયંત્રિત છે. વજીર અકબર ખાન મસ્જિદને ભૂતકાળમાં પણ નિશાન બનાવવામાં આવી છે. તાલિબાન સત્તા પર પાછા ફર્યા તે પહેલા જૂન-2020માં અહીં એક વિસ્ફોટમાં ઇમામ સહિત બે લોકો માર્યા ગયા હતા.