ચીનમાં વર્તમાન સરકાર સામે અસંતોષ વધવાના સંકેત દેખાઈ રહ્યા છે. ગુરુવારે, બેઇજિંગમાં દુકાનોની બહાર અચાનક ઘણા બેનરો દેખાયા છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગને પદ પરથી હટાવવા અને કોરોના પ્રતિબંધો ખતમ કરવા જેવા ઘણા સૂત્રો લખેલા હતા. જિનપિંગ વિરુદ્ધ આ પ્રકારના બેનરો પ્રથમ વખત જોવા મળ્યા છે.

ચીનની રાજધાની બેઇજિંગની સડકો પર લાગેલા આ બેનરોનાં કેટલાંય ચિત્રો અને વીડિયો ગઈકાલે ટ્વિટર પર ઝડપથી વાયરલ થયા હતા. ચીનમાં ટ્વિટર બ્લોક છે. ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના 10 વર્ષમાં બે વખત કોન્ફરન્સ શરૂ કરવાની છે ત્યારે જિનપિંગ વિરુદ્ધ આક્રોશ સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે.

આ બેનરો પર રાષ્ટ્રપતિ જિનપિંગને પદ પરથી હટાવવા અને કડક કોરોના પ્રતિબંધો ખતમ કરવાની માંગ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ બેનરો બેઇજિંગના ઉત્તર-પશ્ચિમ હૈદિયન જિલ્લામાં લટકેલા જોવા મળ્યા હતા. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા તેમને થોડી જ વારમાં દૂર કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં તેમની તસવીરો સોશિયલ મીડિયા દ્વારા આખી દુનિયામાં ફેલાઈ ગઈ હતી.

જિનપિંગનો વિરોધ મહત્વ ધરાવે છે કારણ કે સત્તારૂઢ કમ્યુનિસ્ટ પાર્ટી આગામી 20 મી સંમેલનમાં પ્રમુખ તરીકેની તેમની ત્રીજી મુદત પર મહોર લગાવવા જઈ રહી છે. બેઈજિંગમાં યોજાનારી આ કોન્ફરન્સને લઈને ચીનની સરકારી એજન્સીઓ અને અધિકારીઓ હાઈ એલર્ટ પર છે. જેથી આ બેનરો દેખાતા જ તેને તાત્કાલિક હટાવી લેવામાં આવ્યા હતા.

વાયરલ થયેલા એક વીડિયોમાં લખ્યું છે કે, ‘અમને કોવિડ ટેસ્ટ નથી જોઈતા, અમારે ખાવવાનું જોવે છે. અમારે લોકડાઉન નથી જોઈતું, અમે મુક્ત થવા ઈચ્છીએ છીએ. તમને જણાવી દઈએ કે, ચીનમાં ઝીરો કોવિડ પોલિસીના અમલને કારણે વિવિધ વિસ્તારોમાં વારંવાર લોકડાઉન લાગુ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે વેપારીઓ અને સામાન્ય લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આનાથી ચીનના લોકો નિરાશ થયા છે.