આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં વીજળીનું સંકટ વધુ ઘેરી બન્યું છે. તેને ધ્યાનમાં રાખીને વીજળી બચાવવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. તેની સૌથી વધુ અસર દેશના સૌથી મોટા શહેર કરાચીની પ્રખ્યાત નાઈટલાઈફ પર પણ થવાની છે. સિંધ પ્રાંતની સરકારે ઈંધણ અને વીજળી બચાવવા માટે કરાચીમાં મોલ, બજારો, દુકાનો રાત્રે 9 વાગ્યે બંધ કરવાનો આદેશ આપ્યો છે.

સિંધ સરકારે શુક્રવારે આ જાહેરાત કરી હતી. તેનો હેતુ પાકિસ્તાનમાં ઉર્જા સંકટનો સામનો કરવામાં મદદ કરવાનો છે. ઉર્જા સંકટની અસર પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પર પણ પડી રહી છે. કરાચી એક મહાનગર હોવાને કારણે રેસ્ટોરન્ટ, બજાર, મોલ, સિનેપ્લેક્સ, લગ્ન હોલ સાથે તેની નાઇટલાઇફ માટે પ્રખ્યાત છે. અહીં મોટાભાગની હોટલો, મોલ વગેરે મોડી રાત સુધી ખુલ્લા રહે છે.

ઊર્જા કટોકટીની સ્થિતિ
સિંધના ગૃહ સચિવ ડો. સઈદ અહેમદ મંગનેજોએ કહ્યું છે કે, અમે ઊર્જા ઈમરજન્સીનો સામનો કરી રહ્યા છીએ. આપણે એવા પગલાં લેવાની જરૂર છે જે લોકપ્રિય ના હોય, પરંતુ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે જરૂરી છે. એટલા માટે તમામ બજારો, દુકાનો અને શોપિંગ મોલ રાત્રીના 9 વાગ્યા સુધી બંધ કરવા પડશે, જ્યારે લગ્ન હોલ અને રેસ્ટોરન્ટને પણ રાત્રે 10.30 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે, આ પગલા માત્ર ઈંધણ અને વીજળીના બગાડને ઘટાડવા માટે લેવામાં આવી રહ્યા નથી. જેનાથી વીજ અછત અને લોડ શેડિંગની સમસ્યા દૂર થશે. વીજળીની માંગ અને પુરવઠા વચ્ચેનું અંતર ઘટશે.

કરાચીના લોકો તાજેતરના અઠવાડિયામાં લાંબા સમય સુધી વીજ કાપ અને લોડ શેડિંગથી પરેશાન છે. સિંધ સરકારે રાત્રિના સમયે દુકાનો, બજારો, હોટેલો, મોલ વગેરેને વહેલા બંધ રાખવા માટેનું જાહેરનામું બહાર પાડ્યું છે. તેમાં જણાવાયું છે કે આ સૂચનાઓનું ઉલ્લંઘન કરનારાઓ સામે પોલીસ સ્ટેશનમાં કેસ કરવામાં આવશે.

બીજી તરફ, સંઘીય સરકારે પંજાબ પ્રાંત માટે પણ સમાન આદેશ જારી કર્યા છે. પાકિસ્તાન છેલ્લા કેટલાક મહિનાઓથી ભારે આર્થિક અને ઈંધણ સંકટનો સામનો કરી રહ્યું છે. તાજેતરમાં અમેરિકી ડોલરનું મૂલ્ય 208 પાકિસ્તાની રૂપિયા પર પહોંચી ગયું છે. આ કારણે બિનજરૂરી વસ્તુઓની આયાત પર પહેલાથી જ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.