મોટી દુર્ઘટના – બાંગ્લાદેશમાં ફેરીમાં આગ લાગવાથી 32ના મોત, 100 ઈજાગ્રસ્ત..!

બાંગ્લાદેશના ઝલકોટી જિલ્લામાં શુક્રવારના સવારે એક ફેરીમાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. રોઇટર્સની રિપોર્ટ મુજબ, આગમાં ફેરીમાં સવાર 32 લોકોના મોત થઈ ગયા છે. 100 લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે. ઝાલોકાટી જિલ્લાના અધિક ડેપ્યુટી કમિશનર મોહમ્મદ નજમુલ આલમે જણાવ્યું છે કે, ફેરીમાં લગભગ 1,000 લોકો સવાર હતા. આ ફેરી ઢાકાથી બરગુના જિલ્લા જઈ રહી હતી. આ અકસ્માત બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી 200 કિમીના અંતરે થયો હતો.
સ્થાનિક પોલીસ વડા મોઇનુલ ઇસ્લામે એક નામી ન્યૂઝ એજન્સીને જણાવ્યું છે કે, ‘ત્રણ માળની ફેરી ઓબિજાન 10માં નદીની વચ્ચે આગ લાગી હતી. અત્યાર સુધીમાં 32 મૃતદેહો મળી આવ્યા છે. સળગેલા લોકોને જોઈને લાગે છે કે મૃત્યુઆંક વધી શકે છે. મોટાભાગના લોકો આગમાં દાઝી જવાને કારણે મૃત્યુ પામ્યા હતા. જ્યારે કેટલાક લોકોએ જીવ બચાવવા નદીમાં કૂદી પડ્યા હતા. પાણી ઉંડા હોવાથી તેનું મોત થયું હતું.
રિપોર્ટ અનુસાર, મોઇનુલ ઇસ્લામે જણાવ્યું છે કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આગ ફેરીના એન્જિનમાં લાગી હતી. આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે.
અગાઉ જુલાઈમાં ઢાકામાં 6 માળની ફેક્ટરીમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 52 લોકોના મોત થયા હતા. લગભગ 30 લોકો ઘાયલ થયા છે. આગ ફેક્ટરીના ઉપરના માળે લાગી હતી.