યુક્રેનની રાજધાની કિવ સહિત અનેક શહેરોમાં મિસાઈલના અવાજ સાથે જોરદાર વિસ્ફોટો સંભળાયા છે. આ વિસ્ફોટમાં સેંકડો લોકોના મોત થયા છે અને ઘણા ઈજાગ્રસ્ત થયા છે. જો કે હજુ સુધી મૃતકોનો સત્તાવાર આંકડો જાહેર થયો નથી, પરંતુ ભારે નુકસાનની આશંકા છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે. ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર ઘણા શહેરોની ઈમારતોમાંથી કાળા ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશિયાએ યુક્રેનમાં તબાહી મચાવવા માટે 12 આત્મઘાતી ઈરાની ડ્રોન મોકલ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજધાની કિવ પર 75 મિસાઈલ હુમલા કરવામાં આવ્યા છે, જોકે તેમાંથી 41 ને યુક્રેનિયન એરફોર્સે ઠાર કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના કાર્યાલય પર પણ મિસાઇલો છોડવામાં આવી છે. જો કે હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ હુમલામાં અનેક લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે, સમગ્ર યુક્રેનમાં થયેલા વિસ્ફોટોમાં અનેક લોકો માર્યા ગયા અને ઈજાગ્રસ્ત થયા. ઝેલેન્સકીએ કહ્યું કે, રશિયનો આપણને નષ્ટ કરવા અને પૃથ્વીના ચહેરા પરથી ભૂંસી નાખવાનો પ્રયાસ કરી રહ્યા છે.

યુક્રેનની રાજધાની કિવના મેયર વિટાલી ક્લિટ્સ્કોએ જણાવ્યું હતું કે “શેવચેન્સ્કીવસ્કી” જિલ્લામાં અનેક વિસ્ફોટ થયા છે. આ વિસ્તાર રાજધાની કિવની મધ્યમાં છે. એએફપી સમાચાર એજન્સીના અહેવાલ મુજબ વિસ્ફોટ સ્થાનિક સમય અનુસાર સવારે 8.15 વાગ્યે થયો હતો. યુક્રેનની રાજધાનીમાં હવાઈ હુમલાના સાયરન્સનો અવાજ એક કલાકથી વધુ સમય સુધી ચાલ્યો હતો.