પેરુની સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પેડ્રો કાસ્ટિલોને 18 મહિનાની જેલની સજા ફટકારી છે. દેશમાં વિદ્રોહને ઉશ્કેરવા અને ષડયંત્ર રચવા બદલ તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમની 8 ડિસેમ્બરના ધરપકડ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ કાર્લોસ ચેકલે ગુરુવારે પૂર્વ રાષ્ટ્રપતિ પેડ્રો કાસ્ટિલોને જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો હતો. કેસની સુનાવણી સુધી તેને 18 મહિના સુધી કસ્ટડીમાં રાખવામાં આવશે. પેરુવિયન ન્યૂઝ એજન્સી એન્ડિનાએ આ જાણકારી આપી છે. લિમા સ્થિત ફરિયાદી કાર્યાલયે કોર્ટથી કેસ દરમિયાન પેડ્રો કેસ્ટિલો અને ભૂતપૂર્વ વડા પ્રધાન એનિબલ ટોરેસને ૧૮ મહિના સુધી કસ્ટડી રાખવાનો અનુરોધ કર્યો હતો.

કાસ્ટિલોની ધરપકડ બાદ દક્ષિણ અમેરિકન દેશ પેરુમાં અશાંતિ ફેલાઈ ગઈ હતી. તેમના સમર્થકોએ સામૂહિક વિરોધ શરૂ કર્યો. આને ધ્યાનમાં રાખીને, કાસ્ટિલોના સ્થાને રાષ્ટ્રપતિ બનેલા ડીના બોલ્યુઆર્ટે બુધવારે દેશમાં 30 દિવસ માટે કટોકટી લાદી દીધી હતી.

પોલીસ અને કાસ્ટિલોના સમર્થકો વચ્ચેની હિંસામાં આઠ માર્યા ગયા અને ડઝનેક ઘાયલ થયા હતા. હડતાલ અને આંદોલનને કારણે પેરુને દરરોજ 26 મિલિયન ડોલરનું નુકસાન થઈ રહ્યું છે. પેરુના અખબાર પેરુવિયન ટાઈમ્સના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિએ જનતાને અપીલ કરી છે કે, અમે તમારી સાથે વાતચીત કરવા માંગીએ છીએ. શાંતિ, સૌહાર્દ અને ભાઈચારા સાથે રહીને દેશની જરૂરિયાતો અને લક્ષ્યો હાંસલ કરવા માંગે છે.