યુક્રેન પર થયેલા હુમલાના પગલે અમેરિકાએ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને રશિયા વિરુદ્ધ નવા પ્રતિબંધોની જાહેરાત કરી છે. પુતિનની કથિત ગર્લફ્રેન્ડ એલિના મારાટોવના કાબેવાને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. અમેરિકાએ એલિનાના વિઝા રદ્દ કરી દીધા છે.

39 વર્ષીય કાબેવાના પુતિન સાથે ગાઢ સંબંધો છે. તે રશિયન સંસદ ડુમાના ભૂતપૂર્વ સભ્ય અને રાષ્ટ્રીય મીડિયા જૂથના વર્તમાન વડા છે. આ જૂથ ટેલિવિઝન, રેડિયો અને પ્રિન્ટ મીડિયા સંસ્થાઓનું રશિયન તરફી જૂથ છે.

યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે મંગળવારે જારી કરેલા આદેશમાં કહ્યું છે કે, યુરોપિયન યુનિયન અને બ્રિટને પણ કાબેવા પર નિયંત્રણો લગાવ્યા છે. રશિયન ફેડરેશનના વરિષ્ઠ નેતા, વરિષ્ઠ કાર્યકારી અધિકારી અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્ય હોવાના આધારે કાબેવા પર આ કાર્યવાહી કરવામાં આવી છે.

યુક્રેન પર હુમલા બાદ અમેરિકાએ રશિયા, પુતિન, તેમની બે પુત્રીઓ અને અન્ય કેટલાય રશિયન નેતાઓ પર પ્રતિબંધો લગાવ્યા છે. આ નેતાઓ પર પ્રવાસ પ્રતિબંધની સાથે તેમની મિલકતો પણ જપ્ત કરવામાં આવી છે. કાબેવા પર પ્રતિબંધ પહેલાં, યુએસએ પુતિનની બંને પુત્રીઓ, કેટરિના વ્લાદિમીરોવના તિખોનોવા અને મારિયા વ્લાદિમીરોવના વોરોન્ટોવા પર પ્રતિબંધો લાદ્યા હતા. યુએસ ટ્રેઝરી મિનિસ્ટ્રીએ અત્યાર સુધીમાં 893 રશિયન નેતાઓ અને અધિકારીઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. જેમાં રશિયાના ટોચના સૈન્ય અધિકારીઓનો સમાવેશ થાય છે. તેમના તમામ વિઝા જપ્ત કરવામાં આવ્યા છે.

અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેને એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે, યુક્રેન પર હુમલા બાદ ત્યાંના લાખો લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, જ્યારે પુતિન અને તેમના સહયોગી વૈભવી જીવન જીવી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પુતિન ફરી એકવાર પિતા બનવાની ચર્ચા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે પુતિન અને એલીનાને પહેલાથી જ બે બાળકો છે અને હવે તે એક પુત્રીને જન્મ આપવા જઈ રહી છે.