ફેબ્રુઆરી 2022 થી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે, 29 જુલાઈના રોજ, પ્રથમ વખત, રશિયન અને અમેરિકન વિદેશ મંત્રીઓ વચ્ચે સીધી વાતચીત થઈ હતી. લગભગ અડધા કલાક સુધી ચાલેલી આ ફોન વાતચીતમાં મુખ્ય મુદ્દો રશિયન કેદમાં રહેલા બ્રિટ્ટેની ગ્રિમર અને પોલ વ્હેલનની મુક્તિનો હતો, જેમાં આ નાગરિકોને મુક્ત કરવા વિનંતી કરવામાં આવી હતી. જો કે બંને નેતાઓ વચ્ચે છેલ્લા 5 મહિનાથી યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને લઈને પણ ચર્ચા થઈ હતી. અમેરિકાએ કહ્યું કે, તે યુક્રેનને તોડવાના પ્રયાસોનો વિરોધ કરવાનું ચાલુ રાખશે.

મહાસત્તા દેશોના રાજદ્વારીઓ વચ્ચેની આ વાતચીત વચ્ચે પણ ઉકેલની કોઈ ફોર્મ્યુલા મળી શકી નથી. તેથી, રશિયા-યુક્રેન વચ્ચે કોઈ ઉકેલ મળ્યો નથી. તમને જણાવી દઈએ કે, રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ હવે છઠ્ઠા મહિનામાં પ્રવેશી ગયું છે. બીજી તરફ અમેરિકાએ પણ દાવો કર્યો છે કે, આ યુદ્ધમાં લગભગ 75 હજાર રશિયન સૈનિક માર્યા ગયા છે અથવા ઈજાગ્રસ્ત થયા છે. પુતિન માટે આને મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.

અમેરિકાનું કહેવું છે કે, બંને પક્ષો તરફથી મૃતકોની ચોક્કસ સંખ્યાનો માત્ર અંદાજ લગાવવામાં આવ્યો છે. અધિકારીઓનો અંદાજ છે કે, રશિયાએ યુક્રેનની સરહદ પર લગભગ 1 લાખ 50 હજાર સૈનિકો તૈનાત કર્યા છે. તે જ સમયે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ પોતાના દાવામાં કહ્યું છે કે, 40 હજાર રશિયન સૈનિકો માર્યા ગયા છે જ્યારે લગભગ 10 હજાર સૈનિકો ઈજાગ્રસ્ત થયા છે.

આ મામલે બ્રિટનની ગુપ્તચર એજન્સીએ દાવો કર્યો છે કે, આ યુદ્ધમાં મોટી સંખ્યામાં સૈનિકો ગુમાવ્યા બાદ હવે રશિયા સેનામાં દળોની સંખ્યા વધારવા માટે બેતાબ છે. આ જ કારણ છે કે, તેણે સૈનિકોની ઉંમર ઘટાડીને 50 વર્ષ કરી છે અને યુદ્ધના વડાને દર મહિને 640 પાઉન્ડનો પગાર અને મફત મેડિકલ અને ડેન્ટલ કેર ઓફર કરી છે. રશિયા આવતા શિયાળાને ધ્યાનમાં રાખીને આ તૈયારીઓ કરી રહ્યું છે, જે આગામી વર્ષે પણ યુદ્ધ ચાલુ રહેવાના સંકેત છે.