યુક્રેન પર રશિયા દ્વારા હુમલો કરતા અમેરિકા અને તેના સહયોગીઓએ રશિયા પર પ્રતિબંધો લગાવવાનું શરૂ કરી દીધું હતું. રશિયાને SWIFT સિસ્ટમમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું અને તેના પર સંખ્યાબંધ વેપાર પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. ત્યાર બાદ ઘણી મોટી કંપનીઓએ પણ પ્રતિબંધો લગાવીને રશિયામાંથી પોતાનું કામ પાછું ખેંચી લીધું હતું. આ મોટી કંપનીઓમાં ટ્વિટર, ગૂગલ, ફેસબુક, એપલ, KFC અને McDonald’s પણ સામેલ છે. તેના વિકલ્પ તરીકે રશિયન કંપનીઓ તેમની પ્રોડક્ટ્સ લોન્ચ કરી રહી છે. હવે આ યાદીમાં એક રશિયન કંપનીએ મેકડોનાલ્ડ્સનો વિકલ્પ પણ બનાવ્યો છે. આજકાલ આ વિકલ્પ વિશે ઘણી ચર્ચા પણ થઈ રહી છે.

મેકડોનાલ્ડ્સ જેવો જ લોગો

રિપોર્ટ અનુસાર, મોસ્કોના એક પેટન્ટ વકીલે ભૂતકાળમાં ‘અંકલ વાન્યા’ નામના લોગો માટે અરજી કરી હતી. આ લોગો દેખાવમાં મેકડોનાલ્ડ્સ જેવો જ દેખાય છે. જો તમે તેને ધ્યાનથી જુઓ તો તેમાં થોડો ફેરફાર છે. આ ફેરફાર લોગોની નીચે ‘અંકલ વાન્યા’ લખાયેલું છે.

મેકડોનાલ્ડ્સે રશિયામાં 850 આઉટલેટ બંધ કર્યા

તમને જણાવી દઈએ કે, મેકડોનાલ્ડ્સ એક અમેરિકન કંપની છે. તેણે 8 માર્ચે જાહેરાત કરી હતી કે તે યુદ્ધના વિરોધમાં રશિયામાં તેના 850 આઉટલેટ બંધ કરશે. રશિયાના નેતાઓએ પણ આ નિર્ણય પર આકરી પ્રતિક્રિયા આપી હતી. રશિયન સ્ટેટ ડુમાના પ્રમુખ વ્યાચેસ્લાવ વોલોડિને ગયા અઠવાડિયે સંસદમાં જણાવ્યું હતું કે, ‘મેકડોનાલ્ડ્સે રશિયામાં તેના આઉટલેટ્સ બંધ કરવાની જાહેરાત કરી છે, તે વધુ સારું છે કે, તેઓ તેમનો વ્યવસાય અહીં બંધ કરે.’ તેણે આગળ જણાવ્યું કે, કાલે અલબત્ત, મેકડોનાલ્ડ્સ ત્યાં નહીં હોય, પરંતુ ‘અંકલ વાન્યા’ ચોક્કસ ત્યાં હશે.