સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ, શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનનું શુક્રવારે અવસાન થઈ ગયું હતું, ત્યાર બાદ રાષ્ટ્રપતિની ખુરશી ખાલી થઈ ગઈ હતી. હવે શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન UAE ના આગામી રાષ્ટ્રપતિ હશે. સંયુક્ત આરબ અમીરાતના પ્રમુખ અને અબુ ધાબીના શાસક, મહામહિમ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનનું 13 મેના રોજ અવસાન થયું હતું.

સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ બાબતોના મંત્રાલયે રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનના નિધન પર શોક વ્યક્ત કરતા 40 દિવસના શોકની જાહેરાત કરી છે. આ સિવાય તમામ મંત્રાલયો અને ખાનગી ક્ષેત્રમાં કામકાજ ત્રણ દિવસ બંધ રહેશે.

જ્યારે આજે દિવંગત મહાનુભાવોના સમ્માનમાં આજે ભારતમાં એક દિવસનો રાજ્ય શોક છે. સંદેશા અનુસાર, એક દિવસીય રાજ્ય શોક દરમિયાન, સરકારી ઇમારતો પર રાષ્ટ્રીય ધ્વજ અડધો ઝુકાવી દીધો અને મનોરંજનનો પણ કોઈ સત્તાવાર કાર્યક્રમ આજે નથી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સંયુક્ત આરબ અમીરાત (UAE) ના પ્રમુખ અને અબુ ધાબીના શાસક શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનના નિધન પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે, તેમના નેતૃત્વમાં ભારત-UAE સંબંધો સમૃદ્ધ થયા છે. નાહયાનનું શુક્રવારે નિધન થયું હતું. તેઓ 73 વર્ષના હતા. શેખ ખલીફા 3 નવેમ્બર, 2004 થી યુએઈના પ્રમુખ અને અબુ ધાબીના શાસક તરીકે સેવા આપી રહ્યા હતા.