અમેરિકાએ ચીનના શિનજિયાંગ વિસ્તારમાંથી આયાત કરવામાં આવતા ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો છે. અહેવાલો અનુસાર, હવે ચીનની કંપનીઓએ સાબિત કરવું પડશે કે, શિનજિયાંગ પ્રદેશનો સામાન અમેરિકાને વેચવા માટે તે બળજબરીથી મજૂરી દ્વારા બનાવવામાં આવ્યું નથી. અમેરિકી અધિકારીઓનું કહેવું છે કે, શિનજિયાંગ વિસ્તારમાં લઘુમતી ઉઇગુર મુસ્લિમોની ધરપકડ કરી તેમને કામ કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.

કપાસ અને ટામેટાં સહિત શિનજિયાંગ પ્રદેશના ઘણા ઉત્પાદનો પર યુએસમાં પહેલાથી જ પ્રતિબંધ છે. ઉઇગુર ફોર્સ્ડ લેબર પ્રિવેન્શન એક્ટ (UFLPA) જે 21 જૂનથી અમલમાં આવ્યો હતો તે તમામ આયાત પરના નિયંત્રણોને વિસ્તૃત કરશે. યુએસ રિપબ્લિકન સેનેટર માર્કો રુબિયો, ડેમોક્રેટ સેનેટર જેફ મર્કલે અને અન્ય બે ધારાશાસ્ત્રીઓએ કહ્યું છે કે, કોંગ્રેસ આ કાયદાઓને સંપૂર્ણપણે અને સખ્તાઈથી લાગુ કરવા માટે રાષ્ટ્રપતિ જો બાઈડેન અને તેમના પ્રશાસનની સાથે કામ કરવા માટે તૈયાર છે.

રિપોર્ટ્સ જણાવે છે કે, ચીને શિનજિયાંગ ક્ષેત્રમાં અટકાયત શિબિરોમાં લઘુમતીઓની મોટી વસ્તી રાખેલ છે પરંતુ બેઇજિંગ સતત તેનો ઇનકાર કરે છે. યુએસ કોંગ્રેસ અનુસાર, એપ્રિલ 2017 થી, ચીને શિનજિયાંગમાં 10 લાખથી વધુ ઉઇગર અને અન્ય મુસ્લિમ લઘુમતીઓને જેલમાં કેદ કરી નાખ્યા છે. અહેવાલો સૂચવે છે કે, ચીન આ હજારો કેદીઓને લઘુત્તમ વેતન અથવા કોઈપણ મહેનતાણું વિના કામ કરાવે છે.