એલોન મસ્ક ખુશ છે. ઓછામાં ઓછું તે તેના ટ્વિટ્સ પરથી સ્પષ્ટ થાય છે. તેમનું ટ્વિટર ફીડ 116 મિલિયનથી વધુ યુઝરોના આગમનથી ઉત્સાહિત છે. તેમની ટ્વિટર પોસ્ટ્સ સામાન્ય રીતે વિવેચકોના કહેવા અને મીડિયા અહેવાલો સાથે સુસંગત હોતી નથી. હાલના દિવસોમાં તેની ઘણી ટીકા થઈ રહી છે, પરંતુ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ મસ્ક આ ટીકાઓથી વિચલિત થતા નથી.

બીજી તરફ ટ્વિટર પરથી મોટી સંખ્યામાં છટણી કર્યા બાદ હવે બચી ગયેલા કર્મચારીઓએ કંપનીના નવા બોસ ઈલોન મસ્કને આંચકો આપવાનું શરૂ કર્યું છે. માહિતી અનુસાર, કંપનીના બાકીના કર્મચારીઓ મસ્ક દ્વારા કંપનીમાં કામ કરવા માટે બનાવેલા કડક નિયમોથી ખૂબ જ નાખુશ છે અને તેના કારણે ગુરુવારે સેંકડો લોકોએ કંપનીમાં પોતાનું રાજીનામું આપી દીધું છે.

જણાવી દઈએ કે, ટ્વિટરને હસ્તગત કર્યા પછી, મસ્કે કંપનીના કર્મચારીઓને લાંબા સમય સુધી કામ કરવા અથવા કંપની છોડવાની સૂચના આપી હતી, જેના પછી ઘણા કર્મચારીઓએ પણ કંપની છોડવાનું શરૂ કરી દીધું છે.

મોટી સંખ્યામાં ટ્વિટર છોડી રહેલા કર્મચારીઓ

ન્યૂઝ એજન્સી રોઈટર્સના રિપોર્ટ અનુસાર, વર્કપ્લેસ એપ બ્લાઈન્ડ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં સામે આવ્યું છે કે 42 ટકા કર્મચારીઓ ટ્વિટર છોડવા માંગે છે. આ સર્વેમાં ટ્વિટરના 180 કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ સર્વેમાં ચોંકાવનારી વાત એ હતી કે માત્ર 7 ટકા કર્મચારીઓ જ ટ્વિટરમાં કામ કરવા માંગતા હતા.

કર્મચારીઓને સમજાવવાનો પ્રયાસ

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મસ્ક હવે ટ્વિટર પર વરિષ્ઠ કર્મચારીઓને રોકવા માટે વારંવાર મીટિંગો કરી રહ્યો છે અને તેમને કંપનીમાં રોકવાનો પ્રયાસ કરી રહ્યો છે. જયારે, સૂત્રોને ટાંકીને માહિતી પ્રાપ્ત થઈ છે કે ગુરુવારે ટ્વિટર છોડનારા કર્મચારીઓમાં મોટી સંખ્યામાં એન્જિનિયરોનો સમાવેશ થાય છે, જેઓ એપ વગેરેની ભૂલોને ઠીક કરતા હતા.