Asian Rich List 2022: બ્રિટિશ PM ઋષિ સુનક અને પત્ની અક્ષતા મૂર્તિ સ્થાન, ભારતીય મૂળના આ લોકો પણ શામેલ

બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિને યુકેની ‘એશિયન રિચ લિસ્ટ 2022’માં સ્થાન મળ્યું છે. આ યાદીમાં હિન્દુજા પરિવારને ટોપ પર રાખવામાં આવ્યો છે.
આ યાદીમાં સુનક અને તેની પત્નીને 17મું સ્થાન મળ્યું છે. અક્ષતા મૂર્તિ એનઆર નારાયણ મૂર્તિની પુત્રી છે, જે ભારતની બીજી સૌથી મોટી આઈટી કંપની ઈન્ફોસિસના સહ-સ્થાપક છે. યાદી અનુસાર તેમની સંપત્તિ 790 મિલિયન પાઉન્ડની આસપાસ છે. એશિયન રિચ લિસ્ટ 2022માં સામેલ ધનિકોની સંપત્તિ આ વર્ષે 113.2 બિલિયન પાઉન્ડ છે, જે ગયા વર્ષની સરખામણીમાં 13.5 બિલિયન પાઉન્ડ વધુ છે.
હિંદુજા પરિવાર સતત 8મી વખત યુકેના એશિયન રિચ લિસ્ટમાં ટોચ પર છે. તેમની સંપત્તિ 30.5 બિલિયન પાઉન્ડ છે, જે ગયા વર્ષ કરતાં લગભગ 3 બિલિયન પાઉન્ડ વધુ છે. હિન્દુજા ગ્રૂપ એ એક વિશાળ ભારતીય વ્યાપારી સમૂહ છે, જે અગિયાર પ્રદેશોમાં હાજર છે.
લંડનના મેયર સાદિક ખાને બુધવારે રાત્રે વેસ્ટમિન્સ્ટર પાર્ક પ્લાઝા હોટેલમાં 24મા વાર્ષિક એશિયન બિઝનેસ એવોર્ડ્સમાં હિન્દુજા ગ્રુપના કો-ચેરમેન ગોપીચંદ હિન્દુજાની પુત્રી રિતુ છાબરિયાને ‘એશિયન રિચ લિસ્ટ 2022’ની નકલ અર્પણ કરી હતી.
આ યાદીમાં લક્ષ્મી મિત્તલ અને તેનો પુત્ર આદિત્ય (12.8 બિલિયન પાઉન્ડ), પ્રકાશ લોહિયા અને તેમનો પરિવાર (8.8 બિલિયન પાઉન્ડ) અને નિર્મલ સેઠિયા (6.5 બિલિયન પાઉન્ડ) સામેલ છે. તમને જણાવી દઈએ કે, આ લિસ્ટમાં કુલ 16 અબજોપતિ સામેલ છે.