પાકિસ્તાનમાં આજે ફરી શરૂ થશે ‘આઝાદી માર્ચ’, ઈમરાન ખાને લોકોને મોટી સંખ્યામાં જોડાવા કરી અપીલ

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર ઘાતક હુમલા બાદ ગુરુવારથી ફરી એકવાર આઝાદી માર્ચ શરૂ થઈ રહી છે. ઈમરાન ખાને પાકિસ્તાનના લોકોને વધુમાં વધુ સંખ્યામાં આ માર્ચમાં જોડાવા વિનંતી કરી છે. ભૂતકાળમાં ઈમરાનની હત્યાના પ્રયાસ બાદ આઝાદી માર્ચને રોકી દેવામાં આવી હતી.
વીડિયો જાહેર કરતી વખતે ઈમરાન ખાને કહ્યું કે ભગવાનની ઈચ્છા પ્રમાણે અમે વજીરાબાદથી અમારી હકીકી આઝાદી માર્ચ ફરી તે જ જગ્યાએથી શરૂ કરવાના છીએ. જ્યાં અમારા પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ફાયરિંગમાં 13 લોકો ઘાયલ થયા હતા અને એકનું મોત થયું હતું.
તેમજ ઈમરાને કહ્યું કે આ હકીકી આઝાદી માર્ચ તમારા બધા માટે છે. જે રાષ્ટ્ર આઝાદ નથી તે ક્યારેય વિકાસ કરી શકતું નથી. પાકિસ્તાનની આઝાદી પછીનું આ સૌથી મહત્વપૂર્ણ આંદોલન છે. તેથી, હું આપ સૌને મોટી સંખ્યામાં આ પદયાત્રામાં જોડાવા વિનંતી કરું છું.
આ દરમિયાન, સ્થાનિક મીડિયા ધ નેશને અહેવાલ આપ્યો છે કે પીટીઆઈ ઈમરાન ખાન પર હુમલાની ઘટનામાં એફઆઈઆર નોંધવા માટે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરશે. પીટીઆઈના સાંસદો, નેશનલ એસેમ્બલીના સભ્યો અને પ્રાંતીય એસેમ્બલીના સભ્યો આ મામલો સુપ્રીમ કોર્ટમાં ઉઠાવશે અને એફઆઈઆર નોંધવાની માંગ કરશે. જોકે, બુધવારે પાકિસ્તાનની પંજાબ પોલીસે હુમલાખોર વિરુદ્ધ FIR નોંધી છે. સુપ્રીમ કોર્ટે પંજાબ પોલીસને 24 કલાકનું અલ્ટીમેટમ પણ આપ્યું છે.
જયારે, પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને પીટીઆઈના ઘણા મોટા નેતાઓ સાથે બેઠકની અધ્યક્ષતા કરી. બેઠકમાં ચારેય પ્રાંતોમાં વિધાનસભાઓનું વિસર્જન અને વહેલી ચૂંટણી કરાવવાની માંગ કરવામાં આવી હતી. ધ નેશન અનુસાર, બેઠકમાં જે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી તેમાં સ્વતંત્રતા કૂચના આગળના તબક્કા અને દેશની એકંદર રાજકીય પરિસ્થિતિનો સમાવેશ થાય છે.
આ મોટા નેતાઓ બેઠકમાં સામેલ થયા હતા
આ બેઠકમાં પૂર્વ મંત્રીઓ શાહ મહેમૂદ કુરેશી, અસદ ઉમર, ફવાદ ચૌધરી, સાંસદ આઝમ સ્વાતિ, ઉમર અયુબ, યાસ્મીન રાશિદ, મિયાં અસલમ ઈકબાલ, હમ્માદ અઝહર, એજાઝ ચૌધરી, શફકત મેહમૂદ અને અન્ય ઘણા પક્ષના નેતાઓ પણ હાજર હતા.