તુર્કીમાં શુક્રવારે કોલસાની ખાણમાં વિસ્ફોટ થતાં ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. વિસ્ફોટ બાદ કેટલા લોકો ઘટનાસ્થળે ફસાયા છે તે હજુ સ્પષ્ટ નથી. સત્તાવાર નિવેદનો અનુસાર, જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે ખાણમાં લગભગ 110 લોકો કામ કરી રહ્યા હતા.

ઘાયલોની સારવાર ચાલુ છે

દેશના સ્વાસ્થ્ય મંત્રી ફહરેતિન કોકાસે ટ્વીટ કર્યું કે અકસ્માતમાં ઘાયલ 17 લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ પહેલા તુર્કીના ગૃહ મંત્રી સુલેમાન સોયલુએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિસ્ફોટ સમયે લગભગ 49 લોકો ખાણની અંદર કામ કરી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે આ ખાણ લગભગ 300 થી 350 મીટર ઊંડી છે અને જોખમી વિસ્તાર છે.

બ્લાસ્ટ અંગે તપાસનો આદેશ

તુર્કીના ટેલિવિઝન નેટવર્ક દ્વારા અકસ્માતના ફૂટેજ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કોલસાની ખાણોમાં કામ કરતા લોકોના પરિવારો પોતાના પ્રિયજનોની ચિંતા કરતા જોવા મળે છે. તેમજ જે ખાણકામદારોને બહાર કાઢવામાં આવ્યા છે તેમને સ્ટ્રેચરની મદદથી એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવી રહ્યા છે. દેશની સરકારે વિસ્ફોટની તપાસના આદેશ આપ્યા છે.