આગ સાથે રમનાર પોતે સળગી જાય છે, તાઇવાનને લઈને જિનપિંગે આપી બિડેનને ચેતવણી

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તાઈવાન મુદ્દે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનને કડક ચેતવણી આપતાં કહ્યું છે કે ‘જે આગ સાથે રમે છે તે પોતાની જાતને બાળે છે’. જિનપિંગે બિડેનને કહ્યું કે અમેરિકાએ તાઈવાન મુદ્દે આગ સાથે ના રમવું જોઈએ. હકીકતમાં, યુએસ પ્રમુખ જો બિડેન અને તેમના ચીની સમકક્ષ શી જિનપિંગે ગુરુવારે લગભગ અઢી કલાક સુધી વર્ચ્યુઅલ મીટિંગ કરી હતી. આ દરમિયાન, જિનપિંગે બિડેનને ચેતવણી આપી હતી કે તાઈવાન મુદ્દે “આગ સાથે રમો નહિ”. વ્હાઇટ હાઉસે કહ્યું કે બંને દેશોના વડાઓ વચ્ચેની વાતચીત યુએસ સમય અનુસાર સવારે 8:33 વાગ્યે શરૂ થઈ અને સવારે 10:50 વાગ્યે સમાપ્ત થઈ. આ દરમિયાન બંને નેતાઓએ જટિલ સંબંધોના ભવિષ્ય અંગે ચર્ચા કરી હતી.
ચીનની આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે યુએસ કોંગ્રેસ (સંસદ)ના નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની સ્પીકર નેન્સી પેલોસી તાઈવાનની મુલાકાત લેવાની યોજના બનાવી રહી છે. તાઇવાન એક સ્વ-શાસિત ટાપુ છે જેને ચીન પોતાનો ભાગ માને છે. ચીને કહ્યું કે તે આ મુલાકાતને ઉશ્કેરણીનાં કૃત્ય તરીકે જોશે. લગભગ અઢી કલાક સુધી ચાલેલી આ વાતચીતમાં ચીને તાઈવાનને લઈને પોતાની ચિંતા અમેરિકા સમક્ષ રજૂ કરી હતી.
નેન્સી પેલોસીની તાઇવાનની સંભવિત મુલાકાતના પગલે ચીનના પ્રમુખે યુ.એસ.ને આપેલી ચેતવણીમાં જણાવ્યું હતું કે, “જે લોકો આગ સાથે રમે છે તેઓ આખરે પોતાની જાતને બાળી નાખે છે.” રાજ્ય સંચાલિત સિન્હુઆ ન્યૂઝ એજન્સી અનુસાર, જિનપિંગે ગયા નવેમ્બરમાં બિડેન સાથે વાત કરી ત્યારે તે જ મુદ્દાને પુનરાવર્તિત કર્યો હતો. જિનપિંગે કહ્યું, “મને આશા છે કે યુએસ પક્ષ આને સંપૂર્ણ રીતે સમજશે. ચીનના રાષ્ટ્રપતિએ કહ્યું, તાઈવાન મુદ્દે ચીનની સરકાર અને લોકોનું વલણ એકરૂપ છે. ચીનની રાષ્ટ્રીય સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાની મજબૂતીથી બચાવ કરવાની 1.4 અબજથી વધુ ચીની લોકોની મજબૂત ઈચ્છા છે.