ચમન બોર્ડર પર પાકિસ્તાની સેના અને અફઘાન તાલિબાન લડવૈયાઓ વચ્ચે ભારે ગોળીબાર ચાલુ છે. બંને વચ્ચેના હુમલામાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે, જ્યારે 37 જેટલા લોકો ઘાયલ થયા છે. બંને વચ્ચે મોડી સાંજ સુધી સંઘર્ષ ચાલુ રહ્યો હતો.

પાકિસ્તાનની સૈન્ય અને અફઘાન તાલિબાન લડવૈયાઓ વચ્ચેની અથડામણ ત્યારે શરૂ થઈ જ્યારે અફઘાન સરહદી શહેર સ્પિન બોલ્ડક પર મોર્ટાર મારવામાં આવતા ઓછામાં ઓછા ચાર લોકો માર્યા ગયા અને 20 અન્ય ઘાયલ થયા. જવાબમાં, અફઘાન તાલિબાન લડવૈયાઓએ પાક-અફઘાન ચમન સરહદ નજીક હુમલો કર્યો. તાલિબાન લડવૈયાઓના ભારે ગોળીબારમાં છ પાકિસ્તાની નાગરિકો માર્યા ગયા અને 17 ઘાયલ થયા. હુમલામાં ઘાયલ થયેલા લોકોને ચમન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજી તરફ, પાકિસ્તાની સેનાએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે પાકિસ્તાન સેનાએ તાલિબાન લડવૈયાઓને ચોકીઓ બનાવવાથી રોકવાનો પ્રયાસ કર્યો હતો, તેથી જ બંને વચ્ચે અથડામણ થઈ હતી. તેમણે કહ્યું કે આ જોઈને તાલિબાન લડવૈયાઓએ પાકિસ્તાન સરહદ પર ભારે હથિયારોથી હુમલો કર્યો.

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ દ્વારા અલગ પડેલા છે. તેને ડ્યુરન્ડ લાઇન કહેવામાં આવે છે. પાકિસ્તાન તેને સીમા રેખા માને છે, પરંતુ તાલિબાન સ્પષ્ટપણે કહે છે કે પાકિસ્તાનનું ખૈબર પખ્તુનખ્વા રાજ્ય તેનો ભાગ છે. પાકિસ્તાને કાંટાળા તારની વાડ કરી છે, પરંતુ તાલિબાન તેનો વિરોધ કરે છે.

તાલિબાને વધુ લડવૈયા મોકલ્યા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભીષણ લડાઈને જોતા તાલિબાને વિવાદિત ડ્યુરન્ડ લાઇન પર વધુ લડવૈયા મોકલ્યા છે.

પાકિસ્તાને આરોપ લગાવ્યો, નાગરિકો પર હુમલો કર્યો

ટ્વિટર પર વિડિયો શેર કરતાં એક પત્રકારે જણાવ્યું કે પાકિસ્તાને તાલિબાન પર નાગરિકો પર હુમલા કરવાનો આરોપ લગાવ્યો છે, જેમાં છ નાગરિકો માર્યા ગયા છે.