જાપાનમાં બુધવારે એક મોટી ઘટના સામે આવી છે. બુધવારે અહીંના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાના કાર્યાલય નજીક એક વ્યક્તિએ કથિત રીતે પોતાને આગ લગાવી દીધી હતી. તેને બેભાન અવસ્થામાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. અહેવાલ મુજબ, આગ ઓલવવાનો પ્રયાસ કરતી વખતે એક પોલીસ અધિકારી પણ ઘાયલ થયો હતો. હાલમાં પોલીસ અને વડાપ્રધાન કાર્યાલયે આ મામલે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો છે. પોલીસની એક ટીમ મામલાની તપાસ કરી રહી છે અને વ્યક્તિએ આગ લગાવવા પાછળનું કારણ ચકાસી રહી છે.

ટીવી અસાહીના અહેવાલ મુજબ, પોતાને આગ લગાડતા પહેલા, વ્યક્તિએ પોલીસને કહ્યું કે તે આવું કેમ કરવા જઈ રહ્યો છે. તેણે પોલીસને જણાવ્યું હતું કે તે ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેની હત્યા પછી રાજ્યના અંતિમ સંસ્કારની યોજનાનો વિરોધ કરી રહ્યો હતો. વિરોધમાં તેણે પોતાની જાતને આગ લગાવી દીધી.

જયારે, જો ક્યોડો સમાચાર એજન્સી અને અન્ય મીડિયા આઉટલેટ્સનું માનીએ તો, જ્યારે વ્યક્તિએ પોતાને આગ લગાવી ત્યારે અન્ય લોકો પણ ત્યાં હાજર હતા. તરત જ પોલીસને માહિતી આપવામાં આવી. પોલીસે તાત્કાલિક આગ ઓલવવાનું શરૂ કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે તે વ્યક્તિની પાસે એક ચિઠ્ઠી મળી છે, જેમાં પૂર્વ વડાપ્રધાન આબેના રાજ્યકક્ષાના અંતિમ સંસ્કારનો વિરોધ દર્શાવવાનું લખેલું છે.

જણાવી દઈએ કે જાપાનના સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેલા આબેની 8 જુલાઈ, 2022ના રોજ ચૂંટણી પ્રચાર દરમિયાન ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેમના માનમાં સાર્વજનિક રીતે ભંડોળ પૂરું પાડવામાં આવેલ અંતિમ સંસ્કાર 27 સપ્ટેમ્બરના રોજ યોજાનાર છે. કારણ કે જાપાનમાં સરકારી અંતિમ સંસ્કાર દુર્લભ છે, અને આ નિર્ણય વિવાદાસ્પદ રહ્યો છે. દેશની લગભગ અડધી વસ્તી તેની વિરુદ્ધ છે. આ અંગે સતત ઝુંબેશ પણ ચલાવવામાં આવી રહી છે.