Twitter માં કેમ થઇ રહી છે એકબાદ એક કર્મચારીઓની છટણી? એલોન મસ્કએ સમજાવ્યું કારણ

અબજોપતિ બિઝનેસમેન ઈલોન મસ્ક ટ્વિટરના અધિગ્રહણ બાદ ઘણા મોટા નિર્ણયો લઈ રહ્યા છે. આમાંથી એક નિર્ણય કર્મચારીઓની છટણી કરવાનો પણ છે. ટ્વિટરે વૈશ્વિક સ્તરે કર્મચારીઓની સંખ્યા ઘટાડવાની તેની યોજનાના ભાગરૂપે ભારતમાં કર્મચારીઓને છટણી કરવાનું શરૂ કર્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે છટણીથી ભારતીય ટીમના ‘નોંધપાત્ર હિસ્સા’ પર અસર પડી છે.
કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ટ્વિટરે ભારતમાં કામ કરતા તેના મોટાભાગના કર્મચારીઓને કાઢી મૂક્યા છે. કંપનીએ ભારતમાં ઘણા વિભાગોની આખી ટીમને બરતરફ કરી દીધી છે.
કપાતના મુદ્દે મસ્કે પહેલીવાર નિવેદન આપ્યું છે. તેમણે શનિવારે ટ્વિટ કર્યું, “જ્યારે કંપની દરરોજ $ 4 મિલિયન (રૂ. 32 કરોડથી વધુ) ના નુકસાનનો સામનો કરી રહી છે, તો કમનસીબે અન્ય ઘણા વિકલ્પો બાકી નથી.” તેમણે વધુમાં કહ્યું કે જે લોકોને કંપની છોડવાનું કહેવામાં આવ્યું છે તેમને 3 મહિનાનો પગાર આપવામાં આવ્યો છે જે કાયદાકીય જરૂરિયાત કરતાં 50 ટકા વધુ છે.
Regarding Twitter’s reduction in force, unfortunately there is no choice when the company is losing over $4M/day.
Everyone exited was offered 3 months of severance, which is 50% more than legally required.
— Elon Musk (@elonmusk) November 4, 2022
નોંધનીય રીતે, વિશ્વના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ એલોન મસ્કએ ગયા અઠવાડિયે ટ્વિટરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) પરાગ અગ્રવાલ તેમજ ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર (CFO) અને કેટલાક અન્ય ઉચ્ચ અધિકારીઓને બરતરફ કર્યા હતા. તેણે ટ્વિટર મેળવ્યા પછી તરત જ આ કર્યું. આ પછી ટોચના મેનેજમેન્ટના ઘણા લોકોએ રાજીનામું આપી દીધું હતું.
મસ્કના ટ્વિટરના અધિગ્રહણ પહેલા પણ એવી ચર્ચા હતી કે તે સોશિયલ મીડિયા કંપનીમાં કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરશે. કેટલાક અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તે કર્મચારીઓની સંખ્યામાં 75 ટકા ઘટાડો કરશે.